કોહલી ની સાતમી બેવડી સદી : ભારતીય ટેસ્ટ નો પ્રથમ બેટ્સમેન

kohli-double-century

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા સામે પૂણેમાં ચાલી રહેલી શ્રેણીની બીજી ટેસ્ટના બીજા દિવસે કારકિર્દીની 26મી ટેસ્ટ સદી સાથે સાતમી બેવડી સદી પૂર્ણ કરવાની વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી.

કોહલીએ 336 બોલનો સામનો કરતાં 33 ચોગ્ગા અને બે છગ્ગા સાથે અણનમ 254 રન ફટકારવાની સાથે સૌથી વધુ બેવડી સદી ફટકારનારા ભારતીય બેટ્સમેન તરીકે રેકોર્ડબૂકમાં સુવર્ણાક્ષરે પોતાનું નામ અંકિત કરાવી દીધું હતું. કોહલીએ સાતમી સદી ફટકારતાં 6-6 સદી ફટકારી ચૂકેલા સચિન તેંડુલકર અને વિરેન્દ્ર સેહવાગને પાછળ રાખી દીધા હતા.

કોહલીની અણનમ બેવડી સદીને સહારે ભારતે સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગ પાંચ વિકેટે 601 રનના સ્કોર પર ડિકેલર કરી હતી. જવાબમાં સાઉથ આફ્રિકાએ બીજા દિવસની રમતના અંતે 3 વિકેટે 36 રન નોંધાવ્યા હતા.

આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં સર્વાધિક બેવડી સદી ફટકારવામાં હવે કોહલી ચોથા ક્રમે આવી ગયો છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયાના લેજન્ડરી બેટ્સમેન સર ડોન બ્રેડમેન 12 બેવડી સદી સાથે ટોચ પર છે.
જ્યારે શ્રીલંકાનો સંગાકારા 11 અને વિન્ડિઝનો લારા 9 સદી સાથે અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે છે. કોહલીએ સાતમી બેવડી સદી ફટકારીને વિન્ડિઝના વોલી હેમંડ અને શ્રીલંકાના જયવર્દનેની બરોબરી કરી લીધી છે.

સર્વાધિક ટેસ્ટ સદી ફટકારનારા બેટ્સમેનોની ટોપ-25ની યાદીમાં કોહલી એકમાત્ર એક્ટિવ ક્રિકેટર છે.બાકીના તમામ નિવૃત્ત થઈ ચૂક્યા છે. કોહલીએ અણનમ 254 રન ફટકારવાની સાથે વ્યક્તિગત શ્રેષ્ઠ સ્કોર તો કર્યો જ હતો, સાથે સાથે કેપ્ટન તરીકે કારકિર્દીની 40મી આંતરરાષ્ટ્રીય સદી ફટકારી હતી.

કેપ્ટન તરીકે સર્વાધિક 41 ટેસ્ટ સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પોન્ટિંગના નામે છે. કોહલી હવે તેના રેકોર્ડની નજીક પહોંચી ગયો છે. કોહલીએ આ ઉપરાંત પણ અનેક રેકોર્ડ સર્જ્યા હતા.

Post a Comment

0 Comments