ફક્ત લોકડાઉન માંજ નહિ પરંતુ આ ASI રોજે આ યુવક માટે લાવે છે ટિફિન

 

રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. તો બીજી તરફ લોકો લોકડાઉનનું પાલન કરે તે માટે રાજ્યની પોલીસ ખડેપગે રહીને સતત 12-12 કલાક કામ કરી રહી છે. તો બીજી તરફ કેટલાક ગરીબ વર્ગના લોકોને બે ટંકનું ભોજન પણ મળી રહ્યું નથી ત્યારે સામાજિક સંસ્થાના લોકો અને પોલીસકર્મીઓ ગરીબ લોકો માટે ભોજનની વ્યવસ્થા પુરી પાડે છે. આજે રાજકોટના એક એવા ASIની વાત કરવી છે કે, જેઓ માત્ર લોકડાઉનમાં જ નહીં પરંતુ અન્ય દિવસોમાં પણ એક અસ્થિર મગજના યુવાનને પોતાના ઘરેથી ટિફિન લઈને રોજ પોતાની હાથે જમવાનું પીરસીને જમાડે છે.

રિપોર્ટ અનુસાર રાજકોટના પડધરી પોલીસ સ્ટેશનમાં જગતસિંહ જાડેજા ASI તરીકે ફરજ બજાવે છે. તેઓ પોલીસ સ્ટેશન પોતાની ફરજ નિભાવે છે અને સાથે-સાથે રોજ એક સેવાનું કાર્ય પણ કરે છે. ASI જગતસિંહ જ્યારે પોતાના ઘરેથી નીકળે છે ત્યારે સવાર અને સાંજે ટાઈમ રસ્તા પર બેસેલા એક વ્યક્તિ માટે ભોજન લઈ જાય છે. આ વ્યક્તિ પડધરી પાટીયા પાસે કચરાના ઢગલા પાસે બેસતો અસ્થિર મગજનો યુવક છે, તેના માટે ASI જગતસિંહ રોજ બે ટંકનું ભોજન તેમના ઘરેથી લાવે છે. આટલું જ નહીં ASI જગતસિંહ માનસિક અસ્થિર યુવકને પોતાના હાથે ભોજન પીરસીને જમાડે છે.

બીજી મહત્વની વાત એ છે કે, ASI જગત સિંહ જાડેજા જ્યારે પોતાના ઘરેથી ટિફિન લાવીને આ યુવકને જ જમાડે છે ત્યારે જ તે ભોજન કરે છે. અન્ય વ્યક્તિઓ જો ટિફિન લાવી તેને જમાડવાના ગમે તેટલા પ્રયાસો કરે તો પણ તે બીજા લોકોએ સાથે લાવેલું ભોજન ગ્રહણ કરતો નથી.

ઉલ્લેખનીય છે કે, આફતના સમયમાં પોલીસની માનવતાની કામગીરી દેખાય છે. જ્યારે ચોમાસામાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે કેટલાક પોલીસકર્મીઓએ પોતાના જીવને જોખમમાં નાખીને પાણીના વહેતા પ્રવાહને પાર કરીને લોકોનો જીવ બચાવ્યો હતો. તો બીજી તરફ હવે જ્યારે કોરોનાનું સંકટ છે ત્યારે પણ પોલીસકર્મીઓ 12થી 15 કલાક ખડેપગે રહીને પોતાની ફરજ પણ નિભાવી રહ્યા છે અને સાથે-સાથે કેટલાક લોકોને ભોજનની સેવા પણ પૂરી પાડી રહ્યા છે.

Post a Comment

0 Comments