મુંબઈ ઇન્ડિયન્સે ફરી આપ્યા સંકેત, અર્જુન તેંડુલકર કરી શકે છે ડેબ્યુ, જુઓ વિડીયો

મુંબઈ ઇન્ડિયન્સે ફરી આપ્યા સંકેત, અર્જુન તેંડુલકર કરી શકે છે ડેબ્યુ, જુઓ વિડીયો

IPL 2022 સિઝનના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહેલી મુંબઈ ઈન્ડિયન્સ (MI) કેટલાક મોટા ફેરફારોના મૂડમાં હોવાનું જણાય છે. મુંબઈની ટીમ શરૂઆતની તમામ 8 મેચ હારી ગઈ છે. જીતનું ખાતું પણ ન ખોલી શકનારી મુંબઈની ટીમે પોતાની 9મી મેચમાં મોટા ફેરફારના સંકેત આપ્યા છે.

ખરેખર, મુંબઈ ફ્રેન્ચાઈઝીએ સચિન તેંડુલકરના પુત્ર અને લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર અર્જુનનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે પ્રેક્ટિસ કરતો જોવા મળે છે. આ વિડિયો સાથે મુંબઈ ફ્રેન્ચાઈઝીએ કેપ્શનમાં લખ્યું- અર્જુન, લય ભારી રે વિથ પરફેક્ટ ફોલો થ્રુ એક્શન.

સાત સેકન્ડના આ વીડિયોમાં અર્જુન રનઅપ સાથે બોલિંગની પ્રેક્ટિસ કરતો જોવા મળે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, આ દરમિયાન કોચિંગ સ્ટાફ પણ તેના પર ચાંપતી નજર રાખી રહ્યો છે. આવી સ્થિતિમાં એવી આશા રાખી શકાય છે કે અર્જુન આગામી મેચથી IPLમાં ડેબ્યૂ કરી શકે છે. 22 વર્ષીય અર્જુન તેના ડેબ્યૂ માટે ખૂબ જ ઉત્સુક છે.

આ પહેલા પણ લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચ પહેલા મુંબઈની ટીમે ટ્વીટ કરીને સંકેત આપ્યા હતા કે અર્જુનને ડેબ્યૂ કરવામાં આવી શકે છે. ત્યારબાદ અર્જુનની બહેન અને સચિનની પુત્રી સારા તેંડુલકરે પણ ફ્રેન્ચાઈઝીના આ ટ્વીટ પર પ્રતિક્રિયા આપી હતી. તેમની આ પ્રતિક્રિયા પણ ખૂબ વાયરલ થઈ હતી. જોકે અર્જુનને ડેબ્યૂ કરવાની તક મળી શકી ન હતી.

22 વર્ષીય અર્જુન તેંડુલકર લેફ્ટ આર્મ મીડિયમ ફાસ્ટ બોલર છે. તેણે ઘરેલુ ટૂર્નામેન્ટમાં મુંબઈ માટે અત્યાર સુધી માત્ર બે ટી-20 મેચ રમી છે, જેમાં તેણે 2 વિકેટ લીધી છે. મેગા ઓક્શનમાં મુંબઈ ફ્રેન્ચાઈઝીએ અર્જુનને 30 લાખ રૂપિયામાં ખરીદ્યો છે.

અર્જુનના પિતા અને દિગ્ગજ પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર હાલમાં IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમના મેન્ટર તરીકે કામ કરી રહ્યા છે. ટીમના કેપ્ટન રોહિત શર્મા છે, જ્યારે મુખ્ય કોચ શ્રીલંકાના મહેલા જયવર્દને છે.

મુંબઈની ટીમનો આગામી મુકાબલો રાજસ્થાન રોયલ્સ સામે થશે. આ મેચ 30 એપ્રિલે મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે. રોહિતની કેપ્ટનશિપવાળી મુંબઈની ટીમે હવે 6 વધુ મેચ રમવાની છે. આ મેચ રાજસ્થાન રોયલ્સ, ગુજરાત ટાઇટન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ સામે રમવાની છે.

Ketan Patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *