IND vs ENG : ઇંગ્લેંડની સામે ઇન્ડિયાને નડશે રવિન્દ્ર જાડેજાની કમી, જુઓ આંકડાઓ

ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અંગૂઠોના ફ્રેક્ચરને કારણે ઇંગ્લેન્ડ સામેની ચાર મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચમાં ભારતીય ટીમનો ભાગ નથી. આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં ટિકિટ મેળવવા માટે ભારતે શ્રેણી 2-0થી જીતવી પડશે. આવી સ્થિતિમાં ટીમ ઇન્ડિયા ચોક્કસપણે આ સ્ટાર ઓલરાઉન્ડરને મિસ કરશે.
51 ટેસ્ટમાં 220 વિકેટ લેનાર સ્ટાર ઓલરાઉન્ડર, તેની કારકિર્દીમાં ભારતમાં 157 વિકેટ ઝડપી ચૂક્યો છે. તેણે અત્યાર સુધી ટેસ્ટમાં નવ વખત પાંચ કે તેથી વધુ વિકેટ ઝડપી છે અને આમાંથી તેણે સાત વાર ઘર આંગણે આ સિદ્ધિ હાંસલ કરી છે. જાડેજાની પાસે ગતિ અને વિવિધતા છે, જે તેને ભારતીય પીચો પર સફળ બનાવે છે, જ્યાં પહેલા દિવસ થીજ ટર્ન મળવાનું શરુ થઇ જાય છે. તે જ સમયે, આ ક્ષમતાને કારણે જડ્ડુ ભારતની ટેસ્ટ મેચના ચોથા અને પાંચમા દિવસે વધુ ઘાતક બની જાય છે.
ઈંગ્લેંડ ના છેલ્લા ભારત પ્રવાસ પર આવી રહ્યું હતું જાડેજા નું પ્રદર્શન
જ્યારે ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમે 2016-17માં ભારતની મુલાકાત લીધી હતી, ત્યારે જાડેજા શ્રેણીનો બીજો સૌથી સફળ બોલર હતો. આ શ્રેણીની ચાર મેચોમાં જાડેજાએ 25.85 ની સરેરાશથી 26 વિકેટ ઝડપી હતી. આ દરમિયાન જાડેજાએ એકવાર ઇનિંગ્સમાં પાંચ વિકેટ અને એક વખત ચાર વિકેટ ઝડપી હતી.
ઈંગ્લેંડ ની સામે આવું રહ્યું છે જાડેજાનું પ્રદર્શન
રવિન્દ્ર જાડેજાએ ઇંગ્લેન્ડ સામે 11 ટેસ્ટમાં 32.60 ની સરેરાશથી કુલ 45 વિકેટ ઝડપી છે. આ સમય દરમિયાન તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 7/48 રહ્યું છે. તેણે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં એક વખત 10 વિકેટ ઝડપી છે.
5 ફેબ્રુઆરી એ રમાશે પહેલી ટેસ્ટ
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ 5 ફેબ્રુઆરીથી ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે. ઈંગ્લીશ ટીમ આવતીકાલે એટલે કે 27 જાન્યુઆરીએ ભારત પહોંચશે અને પ્રથમ ટેસ્ટ પહેલા પ્રેક્ટિસ કરવા માટે ફક્ત ત્રણ દિવસનો સમય રહેશે.