તસ્વીરોમાં જુઓ ભારત અને શ્રીલંકાની પહેલી ટેસ્ટ, વિરાટના સમ્માનથી પંતની નિરાશા સુધી, જુઓ ખાસ ક્ષણો

ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચમાં ભારતે એક ઇનિંગ્સ અને 222 રને જીત મેળવી હતી. આ જીત સાથે ભારતે બે મેચની શ્રેણીમાં 1-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીની ટેસ્ટ કારકિર્દીની પણ આ 100મી મેચ હતી. ટીમ ઈન્ડિયાએ માત્ર ત્રણ દિવસમાં આ મેચ જીતીને 100મી મેચ પર કોહલીને ખાસ ભેટ આપી છે. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ આ મેચમાં પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો અને મેચને પોતાના માટે યાદગાર બનાવી દીધી. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પણ વિરાટને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. બીજી તરફ પંતને પ્રથમ દાવમાં નિરાશાનો સામનો કરવો પડ્યો હતો. અહીં અમે તમારી સામે આ મેચ સાથે જોડાયેલી ખાસ તસવીરો લાવ્યા છીએ.
ભારતે બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચમાં શ્રીલંકાને ઇનિંગ્સ અને 222 રને હરાવ્યું હતું. તેણે શ્રેણીમાં 1-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારતે પ્રથમ દાવમાં 574 રન બનાવ્યા હતા. તે જ સમયે, શ્રીલંકાએ તેની પ્રથમ ઇનિંગમાં 174 રન અને બીજા દાવમાં 178 રન બનાવ્યા હતા.
ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં દર્શકોને મેદાનમાં પ્રવેશવા દેવામાં આવ્યા ન હતા, કારણ કે મોહાલીમાં કોરોનાના કેસ વધી રહ્યા હતા. જોકે, બાદમાં BCCIએ વિરાટની 100મી ટેસ્ટને ધ્યાનમાં રાખીને દર્શકોને અહીં મેદાનમાં પ્રવેશવાની મંજૂરી આપી હતી.
મોહાલી ટેસ્ટ સંપૂર્ણપણે ભારતના રવિન્દ્ર જાડેજાના નામે હતી. તેણે આ મેચમાં અણનમ 175 રન બનાવ્યા અને નવ વિકેટ પણ લીધી. જોકે, જાડેજા આ મેચમાં ઐતિહાસિક સિદ્ધિ મેળવવાથી ચૂકી ગયો હતો. જો તેણે વધુ એક વિકેટ લીધી હોત, તો તે એક જ મેચમાં 150 થી વધુ રન બનાવનાર અને 10 વિકેટ લેનાર ઇતિહાસનો પ્રથમ ખેલાડી બની ગયો હોત.
જાડેજાએ પ્રથમ દાવમાં અણનમ 175 રનની ઇનિંગ રમીને ભારત માટે પાંચ વિકેટ પણ લીધી હતી. મેચની બીજી ઇનિંગમાં પંજો આપ્યા બાદ જાડેજાએ દર્શકો તરફ બોલ બતાવીને અભિવાદન સ્વીકાર્યું હતું. જાડેજાએ ટેસ્ટ ક્રિકેટમાં 10મી વખત એક ઇનિંગ્સમાં પાંચ વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે.
આ મેચમાં રોહિત શર્મા પ્રથમ વખત ભારતની ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો હતો. જો કે, આ પહેલા રોહિત ODI અને T20 ટીમની કેપ્ટનશિપ કરી ચૂક્યો છે અને તેની પાસે IPLમાં પણ કેપ્ટનશિપનો ઘણો અનુભવ છે. આ મેચમાં પણ રોહિત ખૂબ જ સક્રિય દેખાઈ રહ્યો હતો અને સારી કેપ્ટનશિપ કરી હતી. જોકે, મેચના ત્રીજા દિવસે ભારતે બે ઓવરમાં બે રિવ્યુ ગુમાવ્યા હતા.
જાડેજાએ આ મેચમાં અણનમ 175 રન બનાવ્યા અને કપિલ દેવનો 36 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. તેણે સાતમા નંબરે ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સ્કોર બનાવ્યો હતો. તેમના પહેલા કપિલ દેવે કાનપુરમાં 163 રનની ઇનિંગ રમી હતી.
વિરાટ કોહલીની આ 100મી ટેસ્ટ હતી અને કેપ્ટન રોહિતે તેને ગાર્ડ ઓફ ઓનર પણ આપ્યું હતું. વિરાટ ભારત માટે 100 ટેસ્ટ મેચ રમનાર 12મો ખેલાડી છે. તેના સિવાય ઈશાંત શર્મા એકમાત્ર ભારતીય છે જેણે 100 ટેસ્ટ મેચ રમી છે અને તેણે હજુ સુધી નિવૃત્તિની જાહેરાત કરી નથી.
વિરાટની પત્ની અનુષ્કા શર્મા પણ તેની સોમી ટેસ્ટ જોવા માટે મેદાન પર પહોંચી હતી. મેચની શરૂઆત પહેલા કોચ દ્રવિડે તેને 100મી ટેસ્ટની ખાસ કેપ આપીને સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે અનુષ્કા પણ મેદાનમાં હાજર રહી હતી. સન્માન મળ્યા બાદ વિરાટે તેને ગળે લગાવી હતી.
ભારતીય બેટ્સમેન રિષભ પંતે આ મેચમાં જોરદાર બેટિંગ કરી અને શાનદાર ઇનિંગ રમી. તેણે 97 બોલમાં 96 રન બનાવ્યા, પરંતુ તેની સદી ચૂકી ગયો. આ પછી ઋષભ ઘણો નિરાશ દેખાઈ રહ્યો હતો. આ પ્રથમ વખત હતો જ્યારે પંત તેની સદી ચૂકી ગયા બાદ નિરાશ થયો હતો. તે ભૂતકાળમાં પાંચ વખત 90 અને 100ના સ્કોર પર આઉટ થયો છે.
આ મેચમાં વિરાટ કોહલીના ચાહકો તેના પોસ્ટર સાથે મેચ જોવા આવ્યા હતા. મોહાલીમાં વિરાટે તેની ટેસ્ટ કારકિર્દીની સોમી મેચ રમી હતી. વિરાટ માટે છેલ્લા કેટલાક મહિના બહુ સારા રહ્યા નથી. તેણે છેલ્લા બે વર્ષમાં એક પણ સદી ફટકારી નથી. આ ઉપરાંત ટી20 વર્લ્ડ કપ બાદ તેણે ત્રણેય ફોર્મેટમાં કેપ્ટનશિપ પણ ગુમાવી દીધી છે.
આ મેચમાં રવિન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિને સદીની ભાગીદારી કરી હતી. આ પ્રથમ વખત હતો જ્યારે બંનેએ સદીની ભાગીદારી કરી હતી. આ પહેલા બંનેએ એક વખત અડધી સદીની ભાગીદારી નોંધાવી હતી.
આ મેચ દરમિયાન જ ક્રિકેટ જગતને મોટું નુકસાન થયું હતું. દિગ્ગજ લેગ સ્પિનર શેન વોર્નના નિધન બાદ બંને ટીમના ખેલાડીઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. બંને ટીમના ખેલાડીઓ હાથમાં કાળી પટ્ટી પહેરીને મેદાનમાં પ્રવેશ્યા હતા.